હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની બે દિવસીય મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીએ શુક્રવારે પીડિતોને મળ્યા બાદ રાજ્યના લોકોને સંદેશો આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, હિંસાથી કોઈ પણ પ્રકારનો ઉકેલ નહીં આવે, માત્ર શાંતિ જ ઉકેલ છે. મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, મણિપુરને શાંતિની જરૂર છે. હું રાહત શિબિરોમાં ગયો અને દરેક સમુદાયના લોકોને મળ્યો. રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકની અછત છે, જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ. હું મણિપુરના દરેક વ્યક્તિને શાંતિ જાળવવાની અપીલ કરું છું. હું અહીં હાજર છું અને શાંતિ માટે મારાથી બનતું બધું કરીશ.
મણિપુર પ્રવાસના બીજા દિવસે એટલે કે, શુક્રવારે રાહુલ ગાંધીએ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ શહેરમાં બે રાહત શિબિરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં તેઓ હિંસાથી વિસ્થાપિત થયેલા પીડિતોને મળ્યા હતા. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી સવારે લગભગ 9.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મોઇરાંગ પહોંચ્યા અને અહીં અસરગ્રસ્ત લોકોને મળ્યા અને તેમની ફરિયાદો સાંભળી.
મોઇરાંગ એક ઐતિહાસિક શહેર છે જ્યાં INA એ 1944માં ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. તેમના પ્રવાસના પ્રથમ દિવસે, રાહુલ ગાંધીએ જ્ઞાતિ રમખાણોથી સૌથી વધુ પ્રભાવિત નગરોમાંના એક ચુરાચંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી.