મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરતો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવાનોનું એક જૂથ બે આદિવાસી છોકરાઓ પર નિર્દયતાથી માર મારી રહ્યા છે.
ધ હિન્દુના અહેવાલ મુજબ, આ ઘટના શુક્રવારેના રોજ ઈન્દોરના રાઉ વિસ્તારમાં બની હતી. પોલીસે જણાવ્યું કે ભારે વરસાદને કારણે બે આદિવાસી ભાઈઓની બાઇક લપસી ગઈ, જેના કારણે નજીકના ટાઉનશિપના કેટલાક યુવકો સાથે માથાકૂટ થઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના પછી કેટલાક શખ્સો બંનેને ગાર્ડ રૂમમાં લઈ ગયા અને તેમને માર માર્યો હતો.
ભારતીય દંડ સંહિતા (IPC), જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સાથે જોડાયેલા કથિત વીડિયોમાં છોકરાઓ જુદા જુદા લોકો સાથે આજીજી કરતા જોવા મળે છે, જેઓ તેમને થપ્પડ મારે છે, લાકડાના સળિયા વડે માર મારે છે. અને તેમની સાથે દુર્વ્યવહાર કરતા પણ સાંભળી શકાય છે.
પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપી સુમિત ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે જયપાલ સિંહ બઘેલ અને પ્રેમ પરમારને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. વિપક્ષ પાર્ટી કોંગ્રેસે રાજ્યમાં આદિવાસીઓ પર વધી રહેલા અત્યાચાર માટે સત્તાધારી ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે.
મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર અત્યાચાર તમામ હદ વટાવી ગયો છે. આદિવાસી સમાજની વ્યથા વ્યક્ત કરવા માટે શબ્દો નથી. સીધીની ઘટના બાદ જે રીતે ઈન્દોરના રાઉ વિસ્તારમાં બે આદિવાસી બાળકોને બેરહેમીથી માર મારવાનો વીડિયો સામે આવ્યો છે, તે આત્માને હચમચાવી નાખે છે.
તેમણે વધુમાં કહ્યું કે, શું ભાજપના કુશાસનથી સમાજમાં એટલી બધી નફરત છે કે કેટલાક લોકો આદિવાસી સમુદાય અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને નફરત કરવા લાગ્યા છે અને તેમને હેરાન કરવા માટે તમામ હદો પાર કરી રહ્યા છે.
કમલનાથે કહ્યું, ‘આ મામલામાં સૌથી કડક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે સમાજમાં આવી વિકૃત માનસિકતાને પ્રોત્સાહન આપનારા લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ.સિધી જિલ્લામાં એક આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરતો એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો અને દેશભરમાં ખળભળાટ મચી ગયો તેના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી. આ ઘટના ગત 26 જૂને બની હતી.
ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આદિવાસી યુવક સીડી પર બેઠો છે અને ધૂમ્રપાન કરતી વખતે એક વ્યક્તિ તેના ચહેરા પર પેશાબ કરવા લાગે છે. આ વ્યક્તિની ઓળખ પ્રવેશ શુક્લા તરીકે થઈ છે. શુક્લાની 5 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી અને NSA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના ઘરનો એક ભાગ, જેનો અધિકારીઓએ દાવો કર્યો હતો કે તે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું, તેને પણ સત્તાવાળાઓએ તોડી પાડ્યું છે.
તો બીજી તરફ શુક્રવારે ગ્વાલિયરના ડાબરાથી વધુ એક વીડિયો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુવકને ચાલતા વાહનમાં બંધક બનાવવામાં આવી રહ્યો છે, તેને ચપ્પલ અને મુઠ્ઠીઓથી મારવામાં આવ્યો છે અને જૂથના સભ્યના પગના તળિયા ચાટવાની ફરજ પાડવામાં આવી રહી છે.
પીડિતા મોહસીન ખાનને મારતા જોવામાં આવેલા ગોલુ ગુર્જર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટના ગત 30 જૂનની છે. આ સિવાય મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં બે દલિત પુરુષોને કથિત રીતે એક મહિલા સાથે વાત કર્યા બાદ માનવ મળમૂત્રનું સેવન કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે યુવતીના પરિવારના સાત સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને વહીવટીતંત્રે તેમના ઘરોને તોડી પાડ્યા છે.