કર્ણાટકના મેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે એક દુકાનના માલિકે પોતાના જ કર્મચારી પર પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો છે. આ ઘટના મુલીહિતલુ વિસ્તારમાં બની હતી જ્યાં શનિવારે સવારે તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. વીજ કરંટ લાગવાથી હત્યા થઈ હોવાનું જણાવીને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ દુકાનદાર દ્વારા કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર ગજયન ઉર્ફે જગ્ગુ 4 વર્ષથી વધુ સમયથી તૌસીફ હુસૈનની કરિયાણાની દુકાનમાં કર્મચારી તરીકે કામ કરતો હતો. સવારે સાડા સાત વાગે ગજયન રાબેતા મુજબ કામ પર ગયો ત્યારે તેના બોસ સાથે કોઈ બાબતે નાનો મોટો ઝઘડો થયો હતો. આ પછી ગજયનની હત્યા કરવામાં આવી હતી.
દુકાનના માલિક તૌસીફે આ ઘટનાને વીજ કરંટથી મોત ગણાવીને ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે કરિયાણાની દુકાનના માલિકે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ હત્યા કેસ અંગે, મેંગલુરુના કમિશનરે કહ્યું, તેણે ગજયનની હત્યા કરવા માટે પેટ્રોલનો ઉપયોગ કર્યો અને તેને ઇલેક્ટ્રિક શોક કહીને ભાગવાનો પ્રયાસ કર્યો.
ઘટના બાદ ગજયનને મેંગલુરુની વેનલોક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યું આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. તૌસીફની ધરપકડ કરવામાં આવી છે અને કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.