મધ્યપ્રદેશના સીધીમાંથી માનવતાને શર્મસાર કરતો વીડિયો મંગળવારે સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં એક યુવક પર સરાજાહેરમાં પેશાબ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા યુવક પર પેશાબ કરનાર આરોપી પ્રવેશ શુક્લા સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ હવે તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા બુલડોઝર વડે મકાન તોડી પાડવામાં આવ્યું હતું. સાથે જ મધ્યપ્રદેશ પોલીસે મોડી રાત્રે આરોપીની ધરપકડ કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
યુવકનો પેશાબ કરતો વીડિયો વાયરલ થતાં જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આરોપી યુવકની ધરપકડની સાથે NSAની કાર્યવાહીની વાત કરી હતી. તપાસ કરી રહેલા પોલીસ અધિક્ષક રવિન્દ્ર વર્માના જણાવ્યા અનુસાર, આરોપી પ્રવેશ શુક્લા વિરુદ્ધ એસસી/એસટી એક્ટની કલમ 294, 504 હેઠળ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.