- ભૂંડના ઉપદ્રવ સામે ચૂકવાશે સહાય
- સરકારે 350 કરોડની જોગવાઈ કરી
- રાજ્યના 55 લાખ ખેડૂતોને થશે લાભ
સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઊભા પાકનો નાશ કરતા ભૂંડનાં ત્રાસથી બચવા માટે નાના અને મોટા ખેડૂતો પણ પોતાના ખેતરો ફરતે કાંટાની વાડ ઊભી કરી શકે એ માટે સહાય પાત્ર વિસ્તારની મર્યાદા ઘટાડવા અને સહાયનું ફંડ વધારવા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી. જે બાદ સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લઈ કાંટાળા તારની વાડ કરવાની યોજનાને વધુ સરળ બનાવી,સહાય પાત્ર વિસ્તાર ગત વર્ષે 10 હેક્ટરથી ઘટાડી પાંચ કર્યો હતો.
પણ વિશેષ કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની રજૂઆતને પગલે સહાય પાત્ર વિસ્તાર હવે 2 હેક્ટર કરી કરી દીધો છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યોજનામાં સહાય માટે 350 કરોડની જોગવાઈ કરી છે. આ નિર્ણયથી રાજ્યના 55 લાખ ખેડૂતોને લાભ થશે, જ્યાં ભૂંડ, નીલ ગાય, દીપડા, રોઝ જેવા પ્રાણીઓનો ત્રાસ છે, ત્યાં ખેડૂતો કાંટાની વાડ બનાવી શકશે. તેમજ સહાયપાત્ર વિસ્તારની મર્યાદા 2 હેક્ટર થતા નાના ખેડૂતોને લાભ થશે.
એવી જ રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ જુદા જુદા પ્રાણીઓને લગતી ફરિયાદો કરવામાં આવી હતી. જેના પગલે ખેડૂતોનું હિત સર્વોપરી રાખનારી સરકારે આ યોજનાનું ફંડ વધારી 350 કરોડ કરવા સાથે સહાયપાત્ર વિસ્તારની મર્યાદા 5 હેક્ટરથી ઘટાડી 2 હેક્ટર કરતાં આ નિર્ણયનો લાભ હવે નાના ખેડુતોને પણ મળશે. ભૂંડનાં ત્રાસને લીધે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વર્ષે 4 થી 5 લાખ ટન શેરડીના પાકને નુકશાન થતું હતું. જેમાં મોટી રાહત મળશે. ભૂંડનાં ઝુંડ શેરડી ખાઈ જવા ઉપરાંત તોડી પાડતા હતાં.