રાજ્યસભાએ ગુરુવારે ‘નારી શક્તિ વંદન બિલ’ને મંજૂરી આપી હતી, જેમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓના નીચલા ગૃહમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. બિલ પસાર થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપલા ગૃહમાં હાજર હતા. રાજ્યસભામાં મહિલા અનામત બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા જ્યારે વિરોધમાં એક પણ વોટ પડ્યો ન હતો.આના એક દિવસ પહેલા બુધવારે લોકસભામાં મહિલા અનામત બિલને બે તૃતિયાંશ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.
નારી શક્તિ વંદન બિલ’ કાયદો બન્યા બાદ 543 સભ્યોની લોકસભામાં મહિલા સભ્યોની સંખ્યા વર્તમાન 82 થી વધીને 181 થઈ જશે. રાજ્યની વિધાનસભાઓમાં પણ મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવામાં આવશે.કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે લોકસભામાં કહ્યું હતું કે હાલમાં બિલમાં 15 વર્ષ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે અને સંસદને તેને લંબાવવાનો અધિકાર હશે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે મહિલાઓ માટે પણ અનામત બેઠકોમાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ માટે અનામત હશે.