દેશમાં 2024ની લોકસભા ચૂંટણીનો જંગ વાગી ગયો છે. ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી છે. કયા રાજ્યમાં કયા દિવસે અને કેટલા તબક્કામાં મતદાન થશે અને પરિણામો ક્યારે જાહેર થશે તેની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 543 લોકસભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને છેલ્લું મતદાન 1 જૂનના રોજ થશે.
કેટલા તબક્કામાં થશે મતદાન?
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે અને 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠકો પર મતદાન થશે.
ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે જેમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન થશે.
ત્રીજા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 સીટો પર મતદાન થશે.
20 મેના રોજ પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.
25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 57 લોકસભા સીટો પર મતદાન થશે.
સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે અને 8 રાજ્યોની 57 લોકસભા સીટો પર મતદાન થશે.
કયા રાજ્યમાં કેટલા તબક્કામાં મતદાન થશે?
22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક તબક્કામાં મતદાન થશે. અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર, આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, દમણ અને દીવ, દિલ્હી, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કેરળ, લક્ષદ્વીપ, લદ્દાખ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ, તમિલનાડુ, પંજાબ, તેલંગાણા ઉત્તરાખંડમાં એક તબક્કામાં મતદાન થશે. કર્ણાટક, રાજસ્થાન, ત્રિપુરા અને મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે. છત્તીસગઢ અને આસામમાં ત્રણ-ત્રણ તબક્કામાં મતદાન થશે. ઓડિશા, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં ચાર-ચાર તબક્કામાં મતદાન થશે, જ્યારે મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં પાંચ-પાંચ તબક્કામાં મતદાન થશે. આ સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાત-સાત તબક્કામાં મતદાન થશે.
કયા રાજ્યમાં કઈ તારીખે યોજાશે ચૂંટણી?
આંધ્રપ્રદેશની 25 લોકસભા સીટો માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. પ્રથમ તબક્કામાં અરુણાચલ પ્રદેશની 2 બેઠકો માટે 19મી એપ્રિલે મતદાન થશે. આસામની 14 બેઠકો માટે 19મી એપ્રિલે 5 બેઠકો, 16મી એપ્રિલે 5 બેઠકો અને 7મી મેના રોજ 4 બેઠકો માટે મતદાન થશે. બિહારની 40 લોકસભા સીટો પર 4 એપ્રિલે, 26 એપ્રિલે 5, 7 મેના રોજ 5, 13 મેના રોજ 5, 20 મેના રોજ 5, 25 મેના રોજ 8 અને 1 જૂને 8 બેઠકો પર મતદાન થશે. છત્તીસગઢની 11 સીટો પર 19 એપ્રિલ, 26 એપ્રિલ અને 7 મેના રોજ મતદાન થશે. ગોવાની 2 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન થશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે.
2024ની લોકસભા ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદારો પોતાનો મત આપશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ વખતે 21.5 કરોડ યુવા મતદારો પોતાનો મત આપશે. તેમાંથી 1.82 કરોડ પ્રથમ મતદારો છે. 2019માં 91 કરોડ મતદારો હતા. આ વર્ષે આ આંકડો વધીને 97 કરોડ થયો છે. CEC રાજીવ કુમારે કહ્યું કે નવા મતદારોને આકર્ષવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે. આ વખતે 18 થી 19 વર્ષની વયજૂથના 1.8 કરોડ મતદારો, 20 થી 29 વર્ષની વયજૂથના 19.74 કરોડ મતદારો અને 82 લાખ મતદારો 85 વર્ષથી વધુ વયના છે.