ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતી જશે તેવી ધારણા સૌને હતી, પરંતુ કેસરિયા પાર્ટી આટલો જ્વલંત દેખાવ કરશે તેવી કલ્પના બહુ ઓછા લોકોએ કરી હશે. ભાજપના પ્રચંડ વિજય અને કોંગ્રેસની કારમી હાર પછી હવે હાર-જીતનું વિશ્લેષણ કરવામાં આવે છે. ભાજપ 156ની આસપાસ બેઠક જીતી રહ્યો છે અને તેનો વોટશેર પણ 53 ટકાની નજીક રહેવાની શક્યતા છે. 27 વર્ષથી એકધારું શાસન હોવા છતાં ભાજપ નબળો કેમ નથી પડતો તેના પાંચ કારણોની અહીં સમીક્ષા કરી છે.
મોદીની લોકપ્રિયતા:-
ભાજપના વિજય માટે પાંચ કારણો આપવા ન હોય અને એક માત્ર કારણ આપવું હોય તો તે નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ છે. મોદીએ આ ઉંમરે પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જે ઉર્જા દેખાડી હતી તે અદભૂત હતી. તેમણે પ્રચારનો તમામ બોજ પોતાના ખભે ઉપાડી લીધો હોય તેમ લાગતો હતો. છેલ્લે સુધી તેઓ સભાઓ અને રોડ શો કરતા રહ્યા જેનાથી લોકોના મનમાં વોટિંગ કરતી વખતે નરેન્દ્ર મોદીની છબિ જ રમતી હતી. એવા લાખો મતદારો હતા જે મોંઘવારી સહિતના મુદ્દે સરકારથી અત્યંત નારાજ હતા છતાં તેઓ વોટ ભાજપને આપવાના હતા. તેનું એકમાત્ર કારણ નરેન્દ્ર મોદી છે.
સરકારનો ચહેરો બદલી નાખવો:-
કોવિડ વખતે ગુજરાતમાં ભયંકર સ્થિતિ હતી અને હજારો લોકો ઓક્સિજન વગર ટળવળતા હતા તે સૌ જાણે છે. કોવિડ અંકુશમાં આવતા જ હાઈ કમાન્ડે વિજય રૂપાણીની સમગ્ર કેબિનેટને ઘરભેગી કરી દીધી અને લો-પ્રોફાઈલ નેતા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દીધા. તેના કારણે ચૂંટણી પ્રચાર વખતે ક્યાંય કોવિડના મિસ મેનેજમેન્ટની ચર્ચા થઈ ન હતી. ભાજપે ગુજરાતમાં સરકારનો ચહેરો બદલી નાખ્યો તેની પોઝિટિવ અસર પડી હતી.
વિપક્ષો એન્ટી ઇન્કમ્બન્સી વેવ કરી ન શકી:-
કોઈ પણ સરકાર સત્તા પર જેમ જેમ વધારે સમય પસાર કરતી જાય તેમ તેમ એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટર મજબૂત બને છે. પરંતુ ગુજરાતમાં સ્થિતિ અલગ છે. ગુજરાતમાં 2017માં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી અને તેનો વોટ શેર 41.4 ટકા હતો. 2017ના દેખાવ પછી કોંગ્રેસ તેનું પરફોર્મન્સ સુધારી ન શકી. તેનો વોટશેર ઘટીને 27 ટકા થઈ ગયો છે. એટલું જ નહીં આદિવાસી વિસ્તારોમાં પણ કોંગ્રેસે નબળો દેખાવ કર્યો છે. આજની તારીખે ગુજરાતમાં 15 ટકા મતદારો આદિવાસી છે.
ભાજપની સંગઠન શક્તિ:-
સંગઠનના પ્રભાવની વાત આવે ત્યારે કોઈ પક્ષ ભાજપને ટક્કર આપી શકે તેમ નથી. તેમાં પણ ગુજરાતમાં ભાજપની સંગઠન શક્તિ સૌથી વધારે છે. આપ માટે હજુ આ સ્થિતિ નવી છે જ્યારે કોંગ્રેસમાં હંમેશાની જેમ જોમનો અભાવ જોવા મળે છે. ભાજપ પોતાની અંદર કોઈ પણ અસંતોષને સફળતાથી ડામી શકે છે. આ વખતે 40થી વધુ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ હતી છતાં ભાજપને કોઈ નુકસાન થયું નથી.
ભાજપના વફાદાર મતદારો:-
ભાજપના વફાદાર મતદારો આ વખતે કોઈ પણ પ્રકારની અવઢવમાં ન હતા. મોંઘવારી સહિતના મુદ્દે પરેશાન હોવા છતાં તેઓ કોંગ્રેસ કે આપ તરફ ખેંચાયા ન હતા. તેમણે માત્ર નરેન્દ્ર મોદી પર ભરોસો મુકીને ભાજપને વોટ આપ્યા છે. ગુજરાતમાં હવે એક પેઢી એવી છે જે વર્ષોથી ભાજપને વોટ કરતી આવી છે. નવી પેઢીના મતદારોને ચૂંટણીમાં રસ ન હોવાથી તેમાં ઓછું વોટિંગ છે. પહેલી વખત મતદાન કરતા હોય તેવા મતદારોની સંખ્યામાં 10 વર્ષમાં 16 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે 50થી વધારે વયના મતદારોની સંખ્યા 60 ટકા વધી છે.