ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસ અને આપનો સફાયો થઈ ગયો છે. આમ, રાજ્યમાં ફરી ભૂપેન્દ્ર પટેલની સરકાર બનશે તે નિશ્ચિત થઈ ગયું છે. ગુજરાતની ચૂંટણીના આજના પરિણામે બધા રાજકીય વિશ્લેષકોને ખોટા પાડ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ પણ ભાજપને 110થી 120 બેઠકો મળવાનું અનુમાન લગાવાયું હતું. જોકે, ભાજપે આ બધા અનુમાનોને ખોટા પાડ્યા છે અને ઐતિહાસિક જીત મેળવતા માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એટલું જ નહીં, સતત બીજી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ‘દાદા’ના હુલામણા નામથી જાણીતા ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ફરીથી જીત મેળવતા વોટના મામલે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેમણે 1.91 લાખની લીડથી આ બેઠક પર વિજય મેળવ્યો છે.
તો ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સુરતની મજુરા બેઠક પરથી 1.33 લાખ કરતા વધુ બેઠકથી વિજય મેળવવાની સાથે સપાટો બોલાવ્યો છે અને તેમની સામેના બધા ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી છે. ભાજપના વર્તમાન 19 મંત્રીઓમાંથી એકમાત્ર કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ બેઠક પરથી હારી ગયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની હાલત તો એવી થઈ ગઈ છે કે, તેને વિધાનસભામાં વિપક્ષ રહી શકે તેટલી બેઠકો પણ નથી મળી. કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે.
ગુજરાતની ચૂંટણીના પરિણામો સવારે જાહેર થવાનું શરૂ થયું તે સાથે જ ભાજપના કાર્યાલયો પર ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો. શરૂઆતથી ભાજપ 150થી વધુ બેઠકો પર આગળ રહ્યો હતો અને તે પછી જેમ-જેમ એક-એક બેઠકના પરિણામો જાહેર થતા ગયા, તેમ-તેમ વિપક્ષના નેતાઓના મોં પર નિરાશા છવાઈ જવા લાગી હતી. ભાજપ માટે આ જીત એટલા માટે પણ મહત્વની છે કે, આ વખતે સત્તા વિરોધી લહેર ઘણી પ્રબળ હોવાનું મનાતું હતું. વળી, મતદાનની ટકાવારી પણ ઘણી ઓછી રહી હતી. જેના કારણે ભાજપને ફટકો પડશે તેવો અંદાજ લગાવાઈ રહ્યો હતો. જોકે, પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મહેનત અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના મેનેજમેન્ટના કારણે ભાજપ જીત મેળવવામાં સફળ રહ્યો છે.