આદિવાસી ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવવાને લઈને માંગ કરવામાં આવી રહી છે. આ વખતે 27 આદિવાસી ઉમેદવારોમાંથી 24 ઉમેદવારો જીત્યા છે. જેમાં ખાસ કરીને આદિવાસી બહુમતી ધરાવતી 15 જેટલી બેઠકો પરથી આદિવાસીઓની જીત થઈ છે.
આદિવાસી સમાજમાંથી ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવવા આદિવાસી આગેવાનોની બેઠક શુક્રવારે મળી હતી. નવી સરકાર બનાવવાને લઈને ભૂપેન્દ્ર પટેલે રાજીનામું આપીને દાવો કર્યો છે ત્યારે 12 તારીખે શપથ વિધી સમારોહ યોજવામાં આવી રહ્યો છે તેવામાં આ માંગ સાથે આજે બેઠક કરવામાં આવી છે.
વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી પદની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.તેવામાં આજે બારડોલીમાં તમામ આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આદિવાસી સમાજમાંથી ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવવા માંગ કરવામાં આવી છે. 27 આદિવાસી ઉમેદવારોમાંથી 24 જીત્યા છે. આદિવાસી વિસ્તારોમાંથી 15 ઉમેદવારો જીત્યા છે. ત્યારે તેમની માંગ છે કે, આદિવાસી ઉમેદવાર પણ મુખ્યમંત્રી બનવો જોઈએ.
છેલ્લા 28 વર્ષમાં આદિવાસી સમાજને એક પણ મહત્વનું ખાતું મળ્યું નથી. આદિવાસી સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવવામાં આવે અને મંત્રીમંડળમાં આદિવાસી સમાજને મહત્વના ખાતાઓ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ગાંધીનગરના મોવડી મંડળમાં રજૂઆત કરવામાં આવશે. બારડોલી સર્કિટ હાઉસ ખાતે શુક્રવારે આગેવાનોની બેઠક મળી હતી. જેને લઈને રાજકારણ ગરમાયું છે. આ સાથે ખાતાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે કે, તેમને પણ ગૃહ અને મહેસુલ જેવા ખાતાઓ આપવામાં આવે.