કેટલાક લોકો તેના નામથી ઓળખાય છે તો કેટલાક તેના કામથી ઓળખાય છે. નામથી કે કામથી ઓળખ માટે મહત્વનો માત્ર એક ઇરાદો અને તેના પાછળની મહેનત હોય છે. ઓડિશાના ગંજામ જિલ્લામાં એક 31 વર્ષનો એવો વ્યક્તિ રહે છે જે વિદ્યાર્થીઓને ભણાવવા માટે ડબલ મહેનત અને મજૂરી કરે છે. ઓડિશાના નાગેશુપાત્રો એક પ્રાઇવેટ કોલેજમાં ગેસ્ટ લેક્ચરર તરીકે કામ કરે છે. અને રાત્રે તેઓ બેરહામપુર રેલવે સ્ટેશન ઉપર કુલીના રૂપમાં કામ કરે છે. પાત્રો કુલીનું કામ પોતાના માટે કે પૈસા કમાવવા માટે નહીં પરંતુ ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરે છે.
નાગેશુએ ફ્રી માં એક કોચિંગ સેન્ટર ખોલ્યું છે જ્યાં તેઓ વિદ્યાર્થીઓને બિલકુલ મફતમાં ભણાવે છે. રાત્રે કુલી બનીને મજૂરી કરીને જે પૈસા તેઓ કમાય છે તેમાંથી આ ક્લાસિસમાં ભણવવા આવતા અન્ય શિક્ષકોને તેઓ પગાર આપે છે. જેમ દિવસ શરૂ થાય છે તેમ પાત્ર સવારે ટીચર અને સાંજે કુલ્લી બની જાય છે. કોવિડ મહામારી દરમિયાન તેમણે ગરીબ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. હાલમાં આ ક્લાસિસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને તેઓ હિન્દી તેમજ ઓડિયા ભાષામાં ભણાવે છે. આ ક્લાસિસમાં અન્ય ચાર ટીચર્સ છે જેને નાગેશું 10,000 રૂપિયાથી લઈને 12,000 રૂપિયા સુધીનું ચુકવણું કરે છે.