સોમવારે સવારે માંડવી તાલુકાના આંબાપારડી ગામેથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દેવલીમાળી મંદિરે દર્શન કરવા માટે જઈ રહેલા શ્રદ્ધાળુંના ટેમ્પોને અકસ્માત નડતા બે બાળકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માતની ઘટના મામલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા વ્યારા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં સામે આવ્યું કે, માંડવી તાલુકાના આંબાપારડી ગામેથી 20 થી 25 લોકો દર્શન કરવા માટે દેવલીમાળી મંદિરે જઈ રહ્યા હતા.
દરમિયાન વ્યારા તાલુકાના ચીખલી ગામની સિમમાં ટેમ્પો પલટી મારી જતા ટેમ્પોમાં સવાર બે બાળકોના ઘટનાને સ્થળે મોત થયા હતા. જેમાં સોહમ વિપીનભાઈ ચૌધારી, આયુષકુમાર જીજ્ઞેશભાઈ ચૌધરીના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય લોકોને માથાના ભાગે તેમજ હાથ-પગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે આ સમગ્ર બનાવ મામલે વ્યારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.