તાપી જિલ્લામાં બુધવારે મામલતદાર કચેરી, નિઝરમાં ધારાસભ્ય ડૉ.જયરામ ગામીતની અધ્યક્ષતામાં પ્રાયોજના વહિવટદારની ક્ચેરી અંતર્ગત સી.સી.ડી. યોજના અંતર્ગત આદિમજૂથના લાભાર્થીઓને બોટ-જાળ યુનિટ, ન્યુ.ગુ.પે. યોજના હેઠળ આદિજાતિ લાભાર્થીઓને મિલકિંગ સેટ (ડોલ, બરણી, તગારા, પાવડો, સાંકળ) અને મિનરલ પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય ડો.જયરામ ગામીતે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, કેંદ્ર અને રાજ્ય સરકાર જ્યારે છેવાડાના માનવીનું વિચારી વિવિધ યોજનાઓ ઘડતી હોય અને ઘરે ઘરે લાભ આપવા આવતી હોય ત્યારે આપણે સરકારનો આભાર માનવો જોઇએ. ગુજરાત સરકાર વિસ્થાપિતો માટે ચિંતા કરે છે અને સરકાર સ્થાનિક નાગરિકોને રોજગારી મળી રહે તે દિશામાં સતત કાર્યરત છે. ત્યારે મળેલા લાભનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે.
લાભાર્થીઓને ખાસ જણાવ્યું હતું કે, મળેલા સાધનો દ્વારા તમામ લાભીર્થીઓ આર્થિક સધ્ધરતા મેળવે એ જરૂરી છે. વધુમાં તેમણે ડેમમાં માછીમારી કરતી વખતે પોતાની સાવચેતી રાખવા તથા સરકારના ધારાધોરણો અનુસાર કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. તેમણે નાગરિકોને પોતે જાગૃત બની અન્યને પણ પોતાના હકો માટે જાણ કરવા જણાવ્યું હતું. અંતે તમણે ગામમાં જ રોજગારી મળે અને કોઇએ ગામની બહાર જવાની જરૂર ન પડે તે દિશામાં સાથે મળી કામ કરીએ એમ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓને આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં સી.સી.ડી. યોજના અંતર્ગત આદિમજુથનાં લાભાર્થીઓને એફ.આર.પી બોટ-જાળ યુનિટ, મિનરલ પાઉડરનાં લાભાર્થીઓને એસેટનું વિતરણ, આ સાથે ન્યુ. ગુ. પે. યોજના હેઠળ આદિજાતિ લાભાર્થીઓને મીલ્કીંગ સેટ (ડોલ, બરણી,તગારા, પાવડો, સાંકળ)નાં લાભાર્થીઓને એસેટનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સીસીડી યોજના અંતર્ગત વર્ષ 2021- 2022માં ફાળવેલી ગ્રાન્ટ અન્વયે નિઝર તાલુકાના 36 આદિમજુથના લાભાર્થીઓને 3-3 ના ગ્રુપમાં એક બોટ અને જાળ આમ, કુલ- 12 એફ. આર. પી બોટ અને માછલી પકડવાની જાળ રૂપિયા 3,60,000ના ખર્ચે આપવામાં આવી હતી. આ ઉપરાંત કુકરમુંડા તાલુકાનાં 36 આદિમજુથના લાભાર્થીઓને 3 – 3 ના ગ્રુપમાં એક બોટ અને જાળ. આમ, કુલ 12 એફ.આર.પી બોટ અને માછલી પકડવાની જાળ રૂપિયા 3,60,000ના ખર્ચે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, ઉકાઈ દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાયબલ સબ પ્લાન-સોનગઢ થકી ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતી લાભાર્થીઓને મિલ્કીંગ સેટ (ડોલ, બરણી, તગારૂ, પાવડો, સાકળ) જેમાં કુકરમુન્ડા તાલુકાના 50 લાભાર્થીઓને કુલ-93,150ના ખર્ચે આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.
નિઝર તાલુકાના આદિજાતી લાભાર્થીઓને ન્યુ ગુજરાત પેટર્ન યોજના પેઠળ દુધાળા પશુઓને પોષણ મળી રહે તે માટે મિનરલ પાવડર પ્રતિ લાભાર્થી ૧.૫ કિ.ગ્રા., મિલ્કીંગ સેટ અને મિનરલ પાવડર ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ કુલ-26 લાભાર્થીઓને 15,470 રૂપિયાના ખર્ચે નાયબ પશુપાલન અધિકારી તાપીની કચેરી દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાયોજનના વહિવટદાર અંકિતા પરમારે સ્વાગત પ્રવચન દ્વારા આ કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. તથા લાભાર્થીઓને યોજનાનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મામલતદાર ગુલાભસિંહ વસાવા, નાયબ પશુપાલન અધિકારી બ્રિજેશ શાહ, જિલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન સોનલ પાડવી, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન પાડવી, તા.પં. નિઝર પ્રમુખ દક્ષાબેન વસાવે, સહિત મહાનુભાવો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.