તાજેતરમાં તાપી જિલ્લાના સોનગઢમાં બોગસ ડૉકટરે ડિગ્રી ન હોવા છતાં એક યુવકનું ઓપરેશન કરી નાખતા ફરિયાદ નોધાઈ છે. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં મોટો પ્રમાણમાં બોગસ ડૉક્ટરો સેવા આપી રહ્યા છે. પરંતુ તાપી જિલ્લા તંત્ર બોગસ ડૉક્ટરો વિરુધ કાર્યવાહી કરવામાં સતત નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે સોનગઢમાં જે ઘટના બની તેવી ઘટનાઓમાં વધારો થયો છે.
તાપીના સોનગઢમાં લોકમાન્ય મલ્ટીસ્પેશાલિટી હોસ્પિટલનું બોર્ડ મારી બોગસ ડૉક્ટર હેમંત પાટીલ લોકો પાસેથી ઉઘાડી લૂંટ કરતો હતો. ડૉકટર પાસે કોઈ પણ જાતની માન્યતા પ્રાપ્ત થયેલી મેડિકલની કે સર્જનની ડિગ્રી નથી તે છતાં છેલ્લાં લાંબા સમયથી ડૉક્ટર હોવાની મોટી-મોટી વાતો કરી લોકોને સારવાર આપવાના નામે લૂંટ કરતો હતો. ફરિયાદીના પિતાજી બિમાર હોવાથી તેમને મલ્ટીસ્પેશાલિટી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ બે વાર ઓપરેશન કર્યાં છતાં સુધારો ન જણાતા બોગસ ડૉક્ટર પર શંકા ગઈ અને સમગ્ર મામલાનો પર્દાફાશ થયો.
બનાવ મામલે ભોગ બનનારના પરિવારજનોએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. ત્યારે હવે સોનગઢ પોલીસ બોગસ ડૉક્ટરને ક્યારે ઝડપી પાડશે તે પણ મોટો સવાલ છે. શું સોનગઢ પોલીસ આ બોગસ ડૉક્ટરને ઝડપી પાડી યોગ્ય પાઠ ભણાવશે કે પછી હાથ અધ્ધર કરી લેશે તે જોવું રહ્યું.