જૂનાગઢમાં ગઈકાલે રાત્રે ટોળાએ ગેરકાયદે દરગાહ પર હંગામો મચાવ્યો હતો. ગેરકાયદે બાંધકામ સામે વહીવટીતંત્રની સૂચના બાદ ટોળાએ ઉગ્ર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. હુમલામાં ડેપ્યુટી એસપી, મહિલા પીએસઆઈ અને એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.
રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનો સળગાવી દીધા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવો પડ્યો. હાલ આ વિસ્તારમાં ભારે તણાવ છે. મોટી સંખ્યામાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
શું છે મામલો?
જૂનાગઢના ઉપરકોટ એક્સટેન્શનમાં આવેલી દરગાહ અંગે વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામની નોટિસ આપવામાં આવી હતી. જેનો આ વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો. ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિમાં આ ગુસ્સો બેકાબૂ બન્યો હતો અને જૂનાગઢમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જે દરગાહને હટાવવાની નોટિસ આપવામાં આવી હતી તે મજેવડી દરવાજાની સામે જ આવેલી છે.
પાંચ દિવસની સમયમર્યાદા બાદ પણ નોટિસ અંગે કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો ન હતો, ત્યારબાદ વહીવટીતંત્રે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે સાંજે મનપાની ટીમ ડિમોલિશનની નોટિસ મુકવા પહોંચી હતી, જેની સામે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. થોડી જ વારમાં આ ભીડ બદમાશોમાં ફેરવાઈ ગઈ અને પોલીસ પર પથ્થરમારો કરવા લાગ્યો.