તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં હોટલની લિફ્ટમાં ફસાઈ જવાથી એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. તેનું અડધું શરીર મશીનની અંદર ફસાઈ ગયું હતું જ્યારે તેનો પગ બહાર ફેંકાઈ ગયો હતો. વાસ્તવમાં, પેરામ્બુરમાં રહેતો 28 વર્ષીય યુવક અભિષેક માયલાપુરની સવેરા હોટલમાં ઘરકામ કરતો હતો.
રવિવારે, અભિષેક કથિત રીતે 7માથી 8મા માળે જવા માટે ટ્રોલીને ધક્કો મારીને સર્વિસ લિફ્ટમાં ચઢી ગયો હતો. પરંતુ ખરાબીના કારણે લિફ્ટ ઝડપથી આગળ વધવા લાગી અને અભિષેક તેમાં ફસાઈ ગયો, જેના કારણે તે કચડાયને મૃત્યુ પામ્યો.
રોયાપેટ્ટાહ પોલીસે અભિષેકના ભાઈની ફરિયાદ પર કેસ નોંધ્યો છે અને હોટલના ચીફ એન્જિનિયર વિનોથ કુમાર અને અન્ય બે લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. લિફ્ટમાં ફસાયેલા અભિષેકના મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોને બોલાવવા પડ્યા હતા. અકસ્માત બાદ અભિષેકનો મૃતદેહ લિફ્ટની અંદર લટકતો જોવા મળ્યો હતો.
ચાલું વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં પણ આવી જ ઘટના બની હતી. ઉત્તર દિલ્હીના બવાના ઈન્ડસ્ટ્રીયલ એરિયાના સેક્ટર 5માં એક 15 વર્ષના સગીર છોકરાનું લિફ્ટમાં ફસાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સગીર છોકરો ફેક્ટરીનો સામાન લઈને લિફ્ટ દ્વારા જઈ રહ્યો હતો અને તે દરમિયાન લિફ્ટ તૂટી ગઈ.
આ પછી માસૂમ અંદર ફસાઈ ગયો હતો. રિપોર્ટ અનુસાર આ ફેક્ટરીમાં કુલર બનાવવાનું કામ કરવામાં આવતું હતું, જેમાં ઘણા સગીરો પણ કામ કરતા હતા. ઘટના બાદ કારખાનેદાર ફરાર થઈ ગયો હતો. જાન્યુઆરી મહિનામાં પણ નરેલા વિસ્તારમાં એક ફેક્ટરીમાં લિફ્ટ પડી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના નારાયણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ 1ના એ બ્લોકમાં બની હતી.