વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો ત્યારથી તેની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે કે મોદી સરકાર ચોમાસુ સત્રમાં સમાન નાગરિક સંહિતાનો પ્રસ્તાવ લાવી શકે છે. જુલાઈમાં ચોમાસુ સત્ર બોલાવવામાં આવશે અને આ અંગેનો અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવામાં આવશે.
કેન્દ્ર સરકાર વતી સમાન નાગરિક સંહિતાના બિલને સંસદીય સ્થાયી સમિતિને મોકલવામાં આવી શકે છે. જે આ અંગે તમામ હિતધારકો પાસેથી તેમના મંતવ્યો માંગશે. ચોમાસું સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડની રજૂઆત સંસદમાં રાજકીય હોબાળો મચાવશે. જ્યારથી પીએમ મોદીએ UCCનો ઉલ્લેખ કર્યો છે ત્યારથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે.
સંસદીય સ્થાયી સમિતિની બેઠક યોજાશેઃ-
સંસદીય સ્થાયી સમિતિએ તાજેતરમાં કાયદા પંચ અને કેન્દ્રીય કાયદા મંત્રાલયના પ્રતિનિધિઓને 3 જુલાઈએ બોલાવ્યા છે. સ્થાયી સમિતિના શેડ્યૂલમાં જણાવાયું છે કે 14 જૂને જારી કરાયેલી નોટિસમાં હિતધારકોના મંતવ્યો માંગવામાં આવ્યા હતા જેના પર હવે વ્યક્તિગત કાયદાની સમીક્ષા કરવામાં આવશે.
જુલાઈના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ સત્ર શરૂ થઈ શકે છે
સંસદનું ચોમાસુ સત્ર જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ 2023નું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈ શકે છે. સત્ર 10 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. નવા સંસદ ભવનમાં આ પ્રથમ ચોમાસુ સત્ર હશે. સૂત્રોનું કહેવું છે કે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠક જુલાઈની શરૂઆતમાં યોજાઈ શકે છે. આ બેઠકમાં ચોમાસુ સત્રની તારીખો અંગે નિર્ણય લેવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ CCPA બેઠકની અધ્યક્ષતા કરશે.