વ્યારા સુગર ફેકટરી તેમજ શંકર ફળિયાના બેઘર પરિવારોની લડત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જેમાં શનિવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ મહામંત્રી મનોજ સોરઠિયા બારડોલીમાં કોઈ કાર્યક્રમ અર્થે બારડોલી આવેલા હોય તેઓ વ્યારા શંકર ફળિયા તેમજ શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.ની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન આદિવાસી આગેવાન એડ.જીમી પટેલ, અખિલ ચૌધરી સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો મહેન્દ્ર ગામીત , ઊવેશ મુલતાની, અરવિંદ ગામીત પણ જોડાયા હતા. સાથે જ શંકર ફળિયાના બેઘર પરિવારો તેમજ આદિવાસીઓને કાયદાકીય માનવીય ધોરણે મદદરૂપ થતા તેમજ શંકર ફળિયાની લડતના અગ્રણી વકીલ નિતિન પ્રધાન હાજર રહ્યા હતા.
એક આવાજ એક મોર્ચા દ્વારા શંકર ફળિયાના પીડિતો સાથે કલેકટર તાપીની મુલાકાત બાદ Slum Regulations & Rehabilitation act 2010 મુજબ SRC કમિટીનું ગઠન આજ સુધી થયું નથી. ફળિયામાં રહેતા પરિવારોને સ્ટ્રીટ લાઈટ , કચરાનો નિકાલ , મુખ્ય માર્ગ બંધ કરી પાયાની કહી શકાય તેવી સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકીય કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા કોંગ્રેસ ના આગેવાનો દ્વારા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ઈસુદાન ગઢવીને લડતમાં જોડાવા આહ્વાન કર્યું હતું. જેના પરિણામે શનિવારે ઈસુદાન ગઢવી તેમજ મનોજ સોરઠિયા તાપી જીલ્લામાં પહોંચતા દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવી અને રોમેલ સુતરિયા સાથે દેખાતા સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.
ઈસુદાન ગઢવીની શંકર ફળિયાના બેઘર પરિવારોની મુલાકાત સમયે તેઓએ જીલ્લા કલેકટર તેમજ કારોબારી અધ્યક્ષ સાથે ટેલીફોનીક વાતચીત કરી બેઘર પરિવારોની રજૂઆત કરીને દિવસ માં સકારાત્મક પરિણામ લાવવા વાત કરી હતી સાથે જ વ્યારા સુગર ફેકટરીની મુલાકાત કરી ૨૪,૦૦૦ ખેડૂતો અને તાપી જીલ્લાની જીવાદોરી સમાન સુગર ફેકટરીના પીડિત આદિવાસી ખેડૂતો ને ૩૧,૦૦૦ ટન શેરડીના નાણાં ચૂકવી આપવા તેમજ ભ્રષ્ટાચાર કરનારા કૌભાંડીઓ સામે તપાસ થાય તેમ મિડિયામાં જાહેર નિવેદન આપ્યું હતું. પ્રશાસનના અહંકાર અને બેદરકારીના કારણે શંકર ફળિયા તેમજ વ્યારા સુગર ફેકટરીનો મુદ્દો હવે વધુ જોર પકડતાં આવનાર ચુંટણીમાં તેના પડઘા ગાંધીનગર સુધી સંભળાય તો નવાઈ નહીં.