ગૃહ મંત્રાલય ભારત સરકારના સૂચન મુજબ આગામી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સ્કૂલ બેન્ડ પર્ફોમન્સમાં પસંદગી કરવાના હેતુથી બુધવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુરત ખાતે સ્કૂલબેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. જે પૈકી વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની દીકરીઓ દક્ષિણ ઝોનમાં પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થઈ હતી.
શાળાના આચાર્ય ગીતાબેને જણાવ્યું હતું કે ,આજનું યુવાધન આવતીકાલનું શ્રેષ્ઠ ભાવિ છે. આથી વિદ્યાર્થીકાળથી જ તેનામાં રહેલા શ્રેષ્ઠ કૌશલ્યને બહાર લાવવામાં આવે તો ,આવનારા સમયમાં એક શ્રેષ્ઠ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છે .એ હેતુને અનુલક્ષીને વિશ્વભારતી સમયાંતરે અભ્યાસની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી આવી છે. જેથી વિદ્યાર્થીઓમાં બાળપણથી જ આત્મવિશ્વાસ અને નીડરતાના ગુણો વિકસાવી શકાય.
આગામી રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં આ દીકરીઓ દક્ષિણ ઝોન નું પ્રતિનિધિત્વ કરશે. દીકરીઓએ મેળવેલ આ જવલંત સિદ્ધિ બદલ શાળાના અધ્યસ્થાપક શ્રી દેવચંદભાઈ સાવજ, પ્રમુખ શ્રી કિશોરભાઈ સાવજ, સંચાલક શ્રી અરવિંદભાઈ ભાલાળા અને આચાર્ય ગીતાબેન બડઘાએ કોચ કૈલાસબેન તેમજ તમામ વિજેતા વિદ્યાર્થીની દીકરીઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી.