ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે તેમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું, ‘મેં તેમની સાથે વાત કરી અને તેમને અભિનંદન આપ્યા. અડવાણી આપણા સમયના સૌથી આદરણીય રાજકારણીઓમાંના એક છે અને ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીએ પાયાના સ્તરે કામ કરીને શરૂઆત કરી અને દેશના નાયબ વડાપ્રધાન બન્યા. તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. લાલકૃષ્ણ અડવાણી ત્રણ વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશના ગૃહમંત્રી અને ડેપ્યુટી પીએમ પણ હતા.
લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત થયાની માહિતી શેર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અડવાણીએ જાહેર જીવનમાં દાયકાઓ સુધી સેવા આપી હતી અને તે પારદર્શિતા અને અખંડિતતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હતા. પીએમ મોદીએ કહ્યું કે અડવાણીએ રાજકીય નીતિશાસ્ત્રમાં માપદંડો નક્કી કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આડવાણીએ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાનને આગળ વધારવા માટે અનન્ય પ્રયાસો કર્યા છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવી મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું હંમેશા તેને મારું સૌભાગ્ય ગણીશ કે મને તેમની સાથે વાતચીત કરવાની અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી.