ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જેને લઈને મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના વીડિયો વાયરલ થતાં રાજકરણ ગરમાયુ છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, પ્રચાર દરમિયાન ભાજપ અને અમીત શાહના ઇશારે પોલીસ અમને ડરાવે છે અને અપહરણ કરવાનો પણ પ્રયાસ થયો છે, મારા સાથે કાર્યકર્તા અને સમર્થકો હોવાથી હું સુરક્ષિત છું. ભાજપ એક ગરીબ પરિવારોનો દીકરો ઉમેદવારી કરી તેનાથી ડરી ગઈ છે અને હેરાન કરી ડરાવતા હોવાનો આક્ષેપ ડેડિયાપાડાના ઉમેદવારે કર્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાતએ ટ્વીટ કરી કહ્યું કે, ડેડીયાપાડા વિધાનસભા ‘આપ‘ ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરતા રોકવા ભ્રષ્ટ ભાજપ તમામ પ્રયત્નો કરી રહી છે. ગઈ કાલે રાત્રે એમનું અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો.
આપને જણાવી દઇએ કે, દેડિયાપાડા બેઠકનાં યુવા અને મજબૂત ચહેરો ગણાતા ચૈતર વસાવાએ દરેક પક્ષ માટે માથાનો દુખાવો બન્યો છે, ભાજપ અને આપ વચ્ચે ટકકર છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે, ચૈતર વસાવાએ ઉમેદવારી નોંધાવી એ સમયની જનમેદનીથી ગુજરાત જ નહિ પણ દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ સીટ પર પ્રચાર દરમિયાન પોલીસ હેરાન કરતી હોય તેવા ચૈતર વસાવાના વિડિયો વાયરલ થતા નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.