ગુજરાતમાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બધાં વચ્ચે કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્યની પત્નીનો મોબાઈલ ઝૂંટવીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે ધારાસભ્યએ સુરત પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીનાં પત્ની ડો.દીપ્તિબેન ચૌધરીનો ફોન ઝૂંટવી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. જોગર્સ પાર્ક પાસેથી દીપ્તિબેન ચૌધરી પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્નેચરો મોબાઈલ ઝુંટવી ફરાર થઈ ગયા હતા.
જે ઘટના બાદ ધારાસભ્ય તુષાર ચૌધરીએ ઉમરા પોલીસ સ્ટેશનમા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે તુષાર ચૌધરીએ પોલીસ કમિશનરને પણ ફરીયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.