મણિપુરમાં 4 જૂલાઈના રોજ બે આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરવામાં આવી હતી. તે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં તો પશ્વિમ બંગાળના માલદામાં ચોરી કરવાનો આરોપ લગાવી બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી ચંપલ દ્વારા માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના બામંગોલા પોલીસ સ્ટેશન વિસ્તારના પાકુહાટ વિસ્તારમાં, બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને નિર્દયતાથી જૂતા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 19 જુલાઈની કહેવાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ બે મહિલાઓને મારપીટ કરી રહી છે. જોકે, પોલીસને આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસનું કહેવું છે કે વાયરલ વીડિયો જોયા બાદ જ તેમને આ ઘટનાની જાણ થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે બે મહિલાઓ ચોરી કરતી વખતે રંગે હાથે ઝડપાઈ હતી. આ પછી તેને સ્થાનિક મહિલાઓ અને દુકાનદારોએ માર માર્યો હતો. બંગાળ ભાજપના સહ-પ્રભારી અમિત માલવિયાએ આ ઘટનાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે બંગાળમાં આતંક સતત તબાહી મચાવી રહ્યો છે.