તાપી જિલ્લાના સોનગઢમાં ઉછીના લીધેલા 300 રૂપિયા માટે એક યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર વાત કરીએ તો, સોનગઢ શહેરના દેવજીપુરા ફળીયામાં રહેતા અને કડીયાકામ કરી પોતાનું જીવનનું ગુજરાન ચલાવનાર બિપીન ગામીતે દોઢ વર્ષે પહેલા લાલુ ઉર્ફે મીડીં પાસેથી 300 રૂપિયા ઉછીના લીધા હતા.
જે રૂપિયા લાલુ ઉર્ફે મીડીએ બિપીન પાસેથી માંગ્યા હતા. જેથી બિપીને કાલે પૈસા આપી દઈશ તેમ કહ્યું હતું. જે બાદ આરોપી લાલુ મીડીં ઉશ્કેરાઈ ગયો હતો. અને બિપીનને મા-બેનની ગાળો આપી હતી. જે બાદ ત્યાં હાજર ટાઈસન ઉર્ફે નિલેશના શખ્સ ઉશ્કેરાય ગયો અને બાજુમાં પડેલા લાકડાથી ફરિયાદીને પગ પર માર માર્યો હતો. તેમજ મુઢ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત અજાણ્યા બે શખ્સોએ પણ બિપીનને માર માર્યો હતો. અને કહ્યું કે, જો રૂપિયા કાલે ન આપે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
આ ઘટનાની જાણ બિપીનની પત્નીને થતાં બિપીનને સારવાર માટે સોનગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વ્યારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. હાલ તો પોલીસે આ મામલે આરોપીઓ વિરૂધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આરોપીઓ ક્યારે પકડાય છે અને પોલીસે ક્યારે યોગ્ય કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે.