મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. બુધવારે રાત્રે અને ગુરુવાર સવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હિંસા થઈ જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા, જ્યારે સીમા સુરક્ષા દળ (BSF)ના ત્રણ જવાન ઘાયલ થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ગુરુવારે રાજ્યના ઘણા ભાગોમાં તંગ અને હિંસક દેખાવો થયા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ગુરુવારે બપોરે લગભગ 2 વાગ્યે બિષ્ણુપુર જિલ્લાના નિંગથોંગ ખુનાઉમાં ચાર લોકોની હત્યા કરી હતી, જે તમામ મૈતઈ સમાજના લોકો હતા. મૃતકોની ઓળખ નિંગથૌજામ નબાદિપ, ઓઈનમ બમોનજાઓ, ઓઈનમ મનિતોમ્બા અને થિઆમ સોમેન તરીકે થઈ છે. બિષ્ણુપુરના પોલીસ અધિક્ષક મેઘચંદ્ર સિંહે જણાવ્યું કે, અમે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં સફળ થયા છીએ અને પોસ્ટમોર્ટમ માટે ઇમ્ફાલ મોકલી દીધા છે. ગુરુવારે સવારે એક અલગ ઘટનામાં, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કંગચુપમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેમાં 23 વર્ષીય મેઇતેઇ તકેલમ્બમ મનોરંજનનું મોત થયું.